પ્રવાસન સ્થળ સાસણગીરના કુદરતી સૌંદર્ય અને પર્યાવરણની જાળવણી માટે સાસણગીર હોટલ એસોસિયેશન દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. સાસણ ગીર વિસ્તારના હોટલ, રિસોર્ટ અને ફાર્મ હાઉસ સંચાલકોની મળેલી અગત્યની બેઠકમાં ગીરને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવા માટે દર અઠવાડિયે સફાઈ અભિયાન ચલાવવાનો સામૂહિક નિર્ણય લેવાયો છે.
આ નિર્ણય અંતર્ગત તમામ હોટલ અને રિસોર્ટ સંચાલકો પોતાની સંસ્થાની બહારના રોડ-રસ્તા, આસપાસના જંગલ વિસ્તાર તેમજ જાહેર સ્થળો પરથી પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર કરીને તેનો યોગ્ય નિકાલ કરશે. એસોસિયેશનના પ્રમુખ વિનુભાઈ જીવાણીએ જણાવ્યું હતું કે, ગીરમાં દર વર્ષે લાખો દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે. પ્રવાસીઓ દ્વારા ફેંકવામાં આવતા પ્લાસ્ટિક અને કચરાથી જંગલ અને વન્યજીવોને નુકસાન થાય છે. ગીરની સ્વચ્છતા જાળવવી એ હોટલ ઉદ્યોગ અને સ્થાનિકોની નૈતિક જવાબદારી છે. હોટલ એસોસિયેશન ની બેઠકમાં જંગલને પ્લાસ્ટિક મુક્ત રાખવા અગત્યનો નિર્ણય લેવાયો હતો જેનાં ભાગરૂપે દરેક હોટલ,રેસ્ટોરન્ટમાં આવતા ટુરીસ્ટો ને પ્લાસ્ટિકની બોટલમાં પાણી આપવાને બદલે હોટલમાં આર.ઓ.ફીલ્ટર પ્લાન્ટ રાખી ગલાસની બોટલમાં પેકીંગ કરી પ્રવાસીઓને વિનામૂલ્યે પાણી આપવામાં આવશે.
