જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક શરમજનક અને લાપરવાહીની ઘટના સામે આવી છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં સ્ટ્રેચર વગરની એક દિવ્યાંગ મહિલાને જમીન પર ઢસડીને પગથીયાં ઉતારતા જોવા મળે છે. આ દૃશ્ય જોઈને કોઈ પણ સામાન્ય માણસનું હૃદય દ્રવી જાય તેવું છે. હોસ્પિટલમાં સ્ટાફ્ કે સુવિધા કોઈ મદદે આવતા જોવા મળતા નથી. સિક્યુરિટી ગાર્ડ્સ મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા, જે હોસ્પિટલ તંત્રની અસંવેદનશીલતા અને લાજ કાઢતી બેદરકારીને દર્શાવે છે. સાધનો હોવા છતાં ગરીબ અને અશક્ત દર્દીઓની આવી દયનીય હાલત જોવા મળી રહી છે. વીડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાયરલ થયા બાદ આ અંગે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ છે. અગાઉ સ્ટાફ્ને દર્દીઓ અને તેમના સ્વજનો સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન કરવાની બે દિવસની તાલીમ પણ આપવામાં આવી હતી. હોસ્પિટલમાં અશક્ત અને વૃદ્ધ દર્દીઓ માટે પૂરતા પ્રમાણમાં વ્હીલચેર અને સ્ટ્રેચર ઉપલબ્ધ છે, છતાં આવી ઘટના બની છે. તેમણે જવાબદાર સિક્યુરિટી ગાર્ડ સામે કડક પગલાં લેવાની અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે આવી બેદરકારી ક્યારેય ચલાવી લેવાય નહીં. સુપરિટેન્ડન્ટની આ વાત પરથી સ્પષ્ટ થાય છે કે તંત્ર તાલીમ આપે છે, પરંતુ તે માત્ર કાગળ પર સીમિત રહે છે. વાસ્તવિકતા કંઈક અલગ છે અને વાયરલ વીડિયો હોસ્પિટલની પોલ ખોલી રહ્યો છે. જાહેર હોસ્પિટલોમાં દર્દીઓ પ્રત્યે સહાનુભૂતિ અને મૂળભૂત સુવિધાઓની જવાબદારી નિભાવવી જરૂરી છે. આવી ઘટનાઓથી સમાજમાં આક્રોશ વધે છે અને તંત્રે વાસ્તવિક સુધારા કરવા જોઈએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો