દિવાળી એટલે પ્રકાશ અને રોશનીનો તહેવાર. આ પર્વ નિમિત્તે ઘરોને શણગારવા માટે લોકો ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે. અગાઉ બજારોમાં ચાઈનીઝ લાઈટિંગ અને સુશોભનની વસ્તુઓનો દબદબો રહેતો હતો, પરંતુ આ વર્ષે તેની જગ્યાએ 'મેડ ઈન ઈન્ડિયા' લાઈટિંગ અને અન્ય દેશી બનાવટની વસ્તુઓની માંગમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. ગ્રાહકો હવે ગુણવત્તા અને સ્વદેશી ઉત્પાદનો પર વધુ ભાર મૂકી રહ્યા છે. જેના પરિણામે સ્થાનિક બજારોમાં વેપારીઓ પાસે પણ ભારતીય બનાવટની વિવિધ આકર્ષક અને નવીનતમ વસ્તુઓનો સારો એવો સ્ટોક જોવા મળી રહ્યો છે. તહેવારના દિવસો નજીક હોવાથી બજારોમાં સુશોભનની વસ્તુઓ લેવા માટે હાલમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી છે. બજારમાં આ વર્ષે શણગાર માટે અવનવી વેરાયટીઓ ઉપલબ્ધ છે. ખાસ કરીને દીવડાઓ અને તોરણની માંગ સૌથી વધુ છે. લોકો હવે પરંપરાગત સાદા દીવડાઓની સાથે સાથે લાઈટ વાળા અને આધુનિક ડિઝાઈન ધરાવતા દીવડાઓ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. રંગોળી માટે પણ બજારમાં નવીનતા જોવા મળી રહી છે. પહેલા લોકો માત્ર સામાન્ય રંગોળીની છાપ ખરીદતા હતા, પરંતુ આ વખતે છાપની કરતા વિવિધ અને આકર્ષક પેટર્નની માંગ વધુ છે. આ ઉપરાંત, ઘરની બહાર અને અંદર રોશની કરવા માટે નવી નવી લાઈટિંગ સિસ્ટમ્સ બજારમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મલ્ટી કલર, સ્ટાર ડિઝાઈન, ઝરણા મોડલ અને વાર્મ સિરીઝ જેવી વિવિધ પ્રકારની લાઈટ્સ ગ્રાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. વેપારી મેહુલ માકડિયાના જણાવ્યા અનુસાર, નવી ડિઝાઈન અને પેટર્નને કારણે ગ્રાહકો આધુનિક લાઈટિંગ સિસ્ટમ તરફ્ આકર્ષાયા છે અને તેની ધૂમ ખરીદી કરી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો