જૂનાગઢ : આવતીકાલે 15 ઓગસ્ટની આઝાદીનું પર્વ ઉજવવાની તૈયારીઓ વચ્ચે જૂનાગઢ શહેર-જિલ્લામાં આજે તિરંગા યાત્રાઓનો સૈલાબો જોવા મળ્યો. ઠેર-ઠેર નાગરિકો રાષ્ટ્રધ્વજને લઈને નીકળ્યા હતા અને શહેરમાં દેશભક્તિનો ઉમળકો તથા હર્ષોલ્લાસ છવાયેલો જોવા મળ્યો. આ ઉત્સવમાં સમાજના દરેક વર્ગે ભાગ લીધો છે, પરંતુ ભવનાથ પોલીસ સ્ટેશન પાછળના ઝૂપડા વિસ્તારમાં વસતા સામાન્ય અને ગરીબ નાગરિકોમાં જે દેશભક્તિનો રંગ જોવા મળ્યો તે ખાસ નોંધપાત્ર છે. આ ઝૂપડાઓમાં રહેતા પરિવારોએ પોતાના નાના-નાના ઘરો ઉપર તિરંગો ફરકાવ્યો છે. સાદા ઝૂપડાઓ પર લહેરાતો રાષ્ટ્રધ્વજ જાણે કહી રહ્યો હોય કે દેશભક્તિ કોઈ વર્ગ કે આર્થિક સ્થિતિની મર્યાદામાં બંધાઈ રહેતી નથી. આજુબાજુ નાનાં બાળકો રમતાં-ખેલતાં જોવા મળ્યાં, જ્યારે તિરંગો ધીરે-ધીરે પવનમાં લહેરાતો રહ્યો. આ દૃશ્ય કેમેરામાં કેદ થયું છે અને તે જૂનાગઢની સામાન્ય જનતાની દેશપ્રેમની ભાવનાનું સુંદર પ્રતીક બની રહ્યું છે.આવા નાના પરંતુ અર્થપૂર્ણ પ્રયાસો દર્શાવે છે કેઆઝાદીનું પર્વ માત્ર ભવ્ય કાર્યક્રમો પૂરતું મર્યાદિત નથી. ઝૂપડાના છાપરા પર લહેરાતો તિરંગો આખા જિલ્લાને યાદ અપાવી રહ્યો છે કે રાષ્ટ્રધ્વજ પ્રત્યેનો આદર અને ગૌરવ દરેક નાગરિકના હૃદયમાં સમાન રીતે વસે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો