જૂનાગઢમાં ગિરી તળેટી પાસે આવેલ પુરાણ પ્રસિધ્ધ દામોદર કુંડ દેશ-વિદેશના લાખો ભાવિકો માટે શ્રધ્ધાનું કેન્દ્ર છે. આ પ્રાચીન કુંડમાં સ્નાન- આચમનથી પાપનો નાશ થાય અને મોક્ષ મળે એવો પુરાણોમાં ઉલ્લેખ છે. પરંતુ જૂનાગઢ મહાનગર પાલિકા આ તીર્થક્ષેત્ર પ્રત્યે કેટલી બેદરકાર છે તેનો ઘટસ્ફોટ સરકારી જલભવનમાં કરાવવામાં આવેલા દામોકુંડના જળના પરીક્ષણથી મળે છે. અહીંનું જળ ધાર્મિક રીતે ખૂબ જ પવિત્ર છે અને રહેશે, પરંતુ વૈજ્ઞાનિક પરીક્ષણ દર્શાવે છે કે, આ પાણી પીવાલાયક પણ નથી અને ન્હાવાલાયક પણ નથી.
દામોદરકુંડ ખાતેથી પાણીના નમુના લઈ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સંચાલિત જલ ભવન ખાતેની લેબોરેટરીમાં કેમિકલ અને બેક્ટેરિયોલોજીકલ પરીક્ષણ માટે આપ્યા હતા. જે રિપોર્ટમાં આ પાણી પીવા લાયક (ચરણામૃત) તો નહીં પરંતુ સ્નાન (ન્હાવા) કરવાને લાયક પણ નથી તેવું સામે આવ્યું છે. કારણ કે, પાણીમાં 36 ટકા કોલીફૉર્મ બેક્ટેરિયા બતાવે છે. પાણીમાં ફ્કિલ કોલીફૉર્મને લીધે આ પાણી જો કોઇપણના શરીરમાં જાય તો, તેનાથી પેટમાં દુખાવો, ઝાડા-ઉલટી થવાની સંભાવના રહેલી છે. દામોદરકુંડમાં જે પાણી આવે છે. તે ગિરનાર પર્વત ઉપરથી વ્હેણ મારફ્ત આવે છે, અને તેમાં વચ્ચે વચ્ચે શૌચાલયો અને ગટરના પાણી ભળતા હોવાથી એકદમ ગંદુ અને વાસ મારતું પાણી કુંડમાં પહોંચે છે.










