જૂનાગઢ જિલ્લામાં ગતરાતથી શરુ થયેલો વરસાદ આજે સાંજ સુધીમાં અવિરત રહ્યો હતો, સૌથી વધુ વિસાવદર તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ભેંસાણમાં અઢી ઈંચ, જયારે ગિરનાર ઉપર દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો, જયારે જૂનાગઢ શહેરમાં પણ દોઢ ઈંચ, માણાવદર, વંથલી, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળીયામાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. 

જૂનાગઢ શહેરમાં ગત રાત્રીથી વરસાદ શરૂ થયો હતો. રાત્રિનાં પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ આજે સવારથી જ ઝરમર વરસાદ વરસતા અડધો ઈંચ જેટલા નોંધાયો હતો. ગિરનાર ઉપર દોઢ ઈંચ વરસાદથી વાતાવરણ ખુશનુમા બન્યુ હતુ તેમજ વિલીંગ્ડન ડેમ, ભવનાથ વિસ્તારમાં હળવા ઝાપટા દિવસ દરમિયાન ચાલુ રહ્યા હતા. તાલુકાના બિલખા, ઈશ્વરીયા, દાપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવાથી ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો હતો. વિસાવદર તાલુકામાં ગત રાત્રિના ત્રણ ઈંચ બાદ આજે દિવસભર વરસાદી ઝાપટા પડયા હતા. તો ભેસાણ તાલુકામાં ગતરાત્રિનાં સવા ઈંચ જેટલો વરસાદ પડયો હતો તો આજે દિવસ દરમિયાન પણ એકથી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો તાલુકાના બરવાળા, ખંભાળિયા, ખારચીયા, રાણપુર, ગળથ, ચણાકા સહિતના ગામડાઓમાં પણ હળવા -ભારે વરસાદ પડયા હતા. જિલ્લાના કેશોદ, માંગરોળ અને માળીયામાં અડધાથી એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો.