જુનાગઢ શહેરમાં કેફી અથવા ઝેરી પદાર્થ પીધા બાદ ચાર લોકોને ગંભીર અસર થવાનો મામલો અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ચકચારી કેસમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના પ્રાથમિક રિપોર્ટમાં એક અત્યંત મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. શંકાસ્પદ કેફી પદાર્થની તપાસ દરમિયાન તેમાં 'મિથેનોલ' કેમિકલ હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. સામાન્ય રીતે લઠ્ઠો બનાવવા માટે મિથેનોલ જવાબદાર હોય છે, પરંતુ આ રિપોર્ટમાં મિથેનોલ ન હોવાનું સામે આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે, જો કે તેની સાથે જ હવે રહસ્ય વધુ ઘેરાયું છે.
અનેક પ્રકારના તર્કવિતર્કો શરૂ
ગઈકાલ સુધી એવી જોરદાર ચર્ચા અને આશંકા સેવાઈ રહી હતી કે આ પીણામાં અગરબત્તી બનાવવામાં વપરાતા કોઈ ઘાતક કેમિકલની ભેળસેળ કરવામાં આવી હોઈ શકે છે. પરંતુ હવે મિથેનોલની ગેરહાજરીના અહેવાલ બાદ વહીવટી તંત્ર અને સ્થાનિકોમાં અનેક પ્રકારના તર્કવિતર્કો શરૂ થયા છે કે આખરે આ કયું ઝેર હતું જેણે ચાર લોકોની જિંદગી જોખમમાં મૂકી દીધી.













