ગુરુવારથી પાવનકારી શ્રાવણ માસનો પ્રારંભ થતાં જ જૂનાગઢના નાના-મોટા શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયનો પવિત્ર નાદ ગુંજી ઉઠશે. શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા તમામ શિવ મંદિરોને રોશનીથી સજાવાયા છે. સોમવારે વિશેષ શણગાર કરાશે. મહાદેવને રિઝવવા જળ, દૂધ, શેરડીના રસ અને નાળિયેર પાણીનો અભિષેક તથા બિલ્વપત્ર, આમળાની માળા, બીલા અને ફૂલો અર્પણ કરાશે. શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં રુદ્રાભિષેક, આરતી, જળાભિષેક અને લઘુરુદ્ર દ્વારા મહાદેવની વિશેષ આરાધના થશે. જૂનાગઢના ગીરી તળેટીમાં બિરાજતા ભવનાથ મહાદેવ મંદિર, મુચકુંદ મહાદેવ, શહેરમાં આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર અને સિદ્ધનાથ મંદિર સહિત અનેક નાના-મોટા શિવાલયોમાં વિશેષ પૂજન-અર્ચનની વ્યવસ્થા ગોઠવાઈ છે.
