જૂનાગઢ : વિશ્વના જાણીતા ફ્રીસ્ટાઈલ ફૂટબોલર જેમી નાઈટ આજે જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા. જૂનાગઢની એક ખાનગી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ દરમિયાન તેમણે ભારત અને યુકેના બાળકોની જીવનશૈલી તથા ખુશી અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. જેમી નાઈટના મતે યુકેના બાળકો પાસે મોટા ઘરો અને આઈપેડ જેવી અનેક ભૌતિક સુવિધાઓ હોવા છતાં ભારતના બાળકોની સરખામણીમાં તેઓ ઓછા ખુશ જોવા મળે છે. જ્યારે ભારતના બાળકો મર્યાદિત સાધનો હોવા છતાં વધુ હસમુખાં, ઉત્સાહી અને શારીરિક રીતે ફ્ટિ જોવા મળે છે. જાન્યુઆરી 2023થી ખાનગી સ્કૂલ ગ્રુપની શાળાઓની મુલાકાત લઈ રહેલા જેમી નાઈટ માટે જૂનાગઢની મુલાકાત 92મી શાળા તરીકે રહી હતી. તેમણે જણાવ્યું હતું કે યુકેમાં બાળકો પાસે અનેક ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ છે, છતાં ત્યાં સ્થૂળતા અને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ વધુ જોવા મળે છે. બીજી તરફ્ ભારતના બાળકો ઓછાં સાધનો હોવા છતાં વધુ ખુશખુશાલ અને ઉત્સાહી છે. તેમણે બાળકોને પોતાની રુચિ અને પ્રતિભા ઓળખીને આગળ વધવાની સલાહ આપી હતી. કોઈ એક ક્ષેત્રમાં દબાણ કરવાને બદલે અલગ-અલગ પ્રવૃત્તિઓ અજમાવવાની તક આપવી જોઈએ તેવો સંદેશ પણ આપ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો