જૂનાગઢમાં સિંહ અને માનવ વસવાટ વચ્ચેના સંઘર્ષની વાતો અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ તાજેતરમાં પાતાપુર પાસે બનેલી એક ઘટનાએ સૌના શ્વાસ અધ્ધર કરી દીધા છે. પાતાપુર સિમેન્ટ ફેક્ટરી નજીક ધોળા દિવસે એક સિંહે શ્વાનનો શિકાર કરવા માટે એવી દોડ લગાવી કે આખી ઘટના જોઈને કોઈના પણ રુંવાડા ઉભા થઈ જાય.
ભરબપોરે સિંહની એન્ટ્રી
સામાન્ય રીતે સિંહ રાત્રિના સમયે શિકાર માટે નીકળતા હોય છે, પરંતુ જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં હવે દિવસના સમયે પણ સિંહના આંટાફેરા સામાન્ય બન્યા છે. સવારે અંદાજે 10:45 વાગ્યે જ્યારે ફેક્ટરીમાં કામકાજ ચાલતું હતું, ત્યારે અચાનક એક સિંહ પાતાપુર સિમેન્ટ ફેક્ટરીના રસ્તા પર દેખાયો હતો. આ સિંહ એક શ્વાનનો પીછો કરી રહ્યો હતો.
જીવના જોખમે સમયસૂચકતા
સિંહને પોતાની પાછળ આવતો જોઈ શ્વાન જીવ બચાવવા માટે ફેક્ટરીના મુખ્ય દરવાજા તરફ દોડ્યો હતો. સિંહ પણ તેની પાછળ એટલી જ ઝડપે દોડ્યો. બરાબર આ જ સમયે ફેક્ટરી પાસે ઉભેલા એક જાગૃત યુવાને જોયું કે સિંહ ફેક્ટરીના દરવાજા સુધી પહોંચી ગયો છે. જો સિંહ અંદર પ્રવેશી ગયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.યુવાને જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરી અને પલકવારમાં ફેક્ટરીનો લોખંડનો દરવાજો બંધ કરી દીધો. સિંહ જેવો દરવાજા પાસે પહોંચ્યો કે તરત જ દરવાજો બંધ થઈ જતાં તે અંદર પ્રવેશી શક્યો નહીં. સિંહના આક્રમક તેવર જોઈને ફેક્ટરીના અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો.
CCTVમાં કેદ થયા દ્રશ્યો
આ સમગ્ર ઘટના ફેક્ટરીના CCTV કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે સિંહ શ્વાનનો શિકાર કરવા માટે પાછળ પડે છે અને કેવી રીતે યુવાનના સાહસને કારણે એક મોટી હોનારત ટળે છે. શ્વાન તો ગમે તેમ કરીને બચી નીકળ્યો, પણ આ ઘટનાએ વન વિભાગ અને સ્થાનિક તંત્ર માટે ચિંતાનો વિષય ઉભો કર્યો છે.
આ પણ વાંચો: Jambusar ખાનપુર રોડ પર તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત, મૃતક 20 તારીખે ઘરેથી ગુમ થયો હતો