જંગલમાં આંખો અને કામ ખુલ્લી રાખો તો દરેક પળે કંઈક નવું જોવા મળે છે. એશિયાઈ સિંહોનું રહેઠાણ કહેવાતા ગીરનો આવો જ એક સુંદર વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો સાસણગીરના કમલેશ્વર ડેમ વિસ્તારનો છે. આ વિડિયોમાં એક સિંહણ અને તેના બે બચ્ચા સાથે નદી પાર કરતા જોવા મળી રહી છે. આ વિડિયો જોઈને નેટિજન્સ અલગ અલગ રીતે પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ગીરના જંગલમાં સિંહના વિડિયો વાયરલ
જુનાગઢના જંગલમાં એશિયાટિક લાયન એટલે કે એશિયાઈ સિંહો વસવાટ કરે છે. એશિયામાં માત્ર ગીરના જંગલમાં જ સિંહનો વસવાટ છે, જેનું ગૌરવ ગુજરાત અને દેશને છે. ગીરના જંગલમાં સિંહના વિડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. આવામાં 2 બાળ સિંહો સાથે સિંહણનો નદી પાર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
