ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા અને દલિત આગેવાન રાજુ સોલંકી વચ્ચે ચાલી રહેલો હાઈપ્રોફાઈલ વિવાદ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. થોડા દિવસો પહેલા બંને પક્ષો વચ્ચે સમાધાન થયાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે રાજુ સોલંકીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતા વિવાદ વકર્યો છે. આ ઓડિયો ક્લિપમાં રાજુ સોલંકી અન્ય દલિત આગેવાન દિનેશ પાતર સાથે વાતચીત કરતા સંભળાય છે, જેમાં તેઓ 10 કરોડ રૂપિયા અંગેનો ઉલ્લેખ કરી રહ્યા છે. ક્લિપમાં રાજુ સોલંકી એવું કહેતા સંભળાય છે કે જો તેમને 10 કરોડ રૂપિયા આપવામાં આવે તો તેઓ ગણેશ જાડેજા સાથે થયેલું સમાધાન રદ કરવા પણ તૈયાર છે.

સોશિયલ મીડિયામાં ઓડિયો ક્લિપ વાયરલ

આ ઓડિયો ક્લિપ વાયરલ થતા જ સમગ્ર દલિત સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમાજના અનેક લોકોએ આક્ષેપ કર્યો છે કે સમાધાનના નામે પતાવટ કરવા માટે કરોડો રૂપિયાનો સોદો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ જ્યારે ગણેશ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન થયું ત્યારે પણ દલિત સમાજના એક મોટા વર્ગે આ નિર્ણયનો વિરોધ નોંધાવ્યો હતો. હવે આ 10 કરોડની વાતચીત સામે આવતા રાજુ સોલંકીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા છે. આ મામલે હજુ સુધી રાજુ સોલંકી કે ગણેશ જાડેજા પક્ષ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા આવી નથી, પરંતુ આ ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં અને સામાજિક ગલિયારામાં ભારે ગરમાવો લાવી દીધો છે.