એશિયાટિક સિંહોના ગઢ ગણાતા જૂનાગઢ પંથકમાં ફરી એકવાર ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો છે. જૂનાગઢના તોરણીયા ગામના જાગૃત સરપંચે વન વિભાગના નાકની નીચે ચાલતા ગેરકાયદે સિંહ દર્શનના રેકેટને ઝડપી પાડ્યું છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, વન વિભાગના જ એક કર્મચારીનો ભાઈ આ ગેરકાયદે પ્રવૃત્તિમાં મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું છે.

સરપંચે વીડિયો ઉતારી મચાવ્યો હલ્લાબોલ

તોરણીયા ગામના સરપંચને બાતમી મળી હતી કે ગામની સીમમાં ગેરકાયદે રીતે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યા છે. સરપંચે સ્થળ પર પહોંચીને તપાસ કરતા વન વિભાગના કર્મચારીનો ભાઈ પ્રવાસીઓ પાસેથી પૈસા લઈને સિંહોના દર્શન કરાવતો જોવા મળ્યો હતો. સરપંચે તરત જ આ આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો, જેને પગલે વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે.

પૈસા લઈને સિંહ દર્શન કરાવવાનો આક્ષેપ

સરપંચના આક્ષેપ મુજબ, વન વિભાગના કર્મચારીની છત્રછાયામાં તેનો ભાઈ લાંબા સમયથી પૈસા લઈને સિંહ દર્શન કરાવતો હતો. આ પ્રવૃત્તિમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. સિંહોની પજવણી કરીને પ્રવાસીઓને ખુશ કરવાના આ ખેલમાં વન્યજીવ પ્રેમીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: જીપની ટક્કરથી ઇકો કાર પલટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ