જૂનાગઢ જિલ્લામાં વધુ એક વખત રખડતા ઢોરે એક નિર્દોષ માનવીનો ભોગ લીધો છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે રખડતા ઢોર આડે ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં એક બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે મૃતકના પરિવારમાં ભારે શોક અને સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.
રખડતા ઢોરે લીધો નિર્દોષનો ભોગ
મળતી માહિતી મુજબ, ગોપાલ વામજા નામનો યુવક પોતાની બાઈક લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક ધણખૂટ (આખલો) હાઈવે પર આડો ઉતર્યો હતો. પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલ વામજા રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.










