જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ભલગામમાં આવેલી એક ગૌશાળાના વહીવટને લઈને મોટો વિવાદ વકર્યો છે. ગૌશાળા પર કબજો મેળવવા અને નાણાકીય લેતીદેતીના મામલે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા દાદાગીરી કરી એક વૃદ્ધને માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.


જૂનાગઢમાં સંતોની દાદાગીરી

મળતી માહિતી મુજબ, ભલગામની આ ગૌશાળાના વહીવટ માટે અગાઉ ₹1 કરોડ જેટલી માતબર રકમ આપી દેવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમ છતાં, સ્વામિનારાયણ સંત ચંદ્રપ્રકાશ સ્વામી દ્વારા વધુ ₹35 લાખની માંગણી કરવામાં આવી હતી. આ નાણાકીય વિવાદને કારણે ગૌશાળાના ટ્રસ્ટી અને પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે અંતે મારામારીમાં પરિણમી હતી.

વૃદ્ધ પર હુમલો અને દાદાગીરી

ગૌશાળાનો કબજો લેવાની લાયસામાં સંતો દ્વારા માન-મર્યાદા નેવે મૂકીને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મારામારીના દ્રશ્યો જાહેરમાં બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સંતોના આ પ્રકારના વર્તનથી ધાર્મિક જગતમાં પણ અનેક સવાલો ઉભા થયા છે.

પોલીસ કાર્યવાહી

આ ઘટના બાદ બંને પક્ષો વિસાવદર પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે આ મામલે સામસામી ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આટલી મોટી રકમની લેતીદેતી પાછળનું મુખ્ય કારણ શું હતું અને કયા આધારે ગૌશાળાના કબજા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું.

આ પણ વાંચો:Patan: ચૂંટણી પૂર્વે ભાજપમાં ભંગાણ, વિકાસના કામો ન થતા કાઉન્સિલર નરેશ દવેનું પક્ષમાંથી રાજીનામું

  • Follow us on: