ગિરનારના પ્રવેશદ્વાર સમાન પવિત્ર દામોદરકુંડ ખાતે પુરુષોત્તમ માસના અંતિમ દિવસે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, આજે સોમવારે અમાસના વિશેષ સંયોગ સાથે પુરુષોતમ માસના અંતિમ દિવસે દામોદર કુંડ ખાતે પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતા, આ તકે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો. આજે અમાસના વિશેષ સંયોગ સાથે પુરુષોત્તમ માસનો અંતિમ દિવસ હતો. આ પવિત્ર દિવસે વહેલી સવારથી દામોદરકુંડ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડયા હતા. ભાવિકો પુરુષોત્તમ માસનું અંતિમ સ્નાન કરી તેમજ મોક્ષ પીપળે પાણી રેડી પુણ્ય કામનાની પ્રાપ્તિ કરી હતી. બીજી તરફ્, પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં યાત્રિકોના ભારે ઘસારાને ધ્યાનમાં લઈને કુંડની જાળવણી માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. દામોદરકુંડ તીર્થગોર સમિતિના પ્રમુખ નિલેશ પુરોહિત દ્વારા જણાવ્યા અનુસાર, મેન્ટેનન્સ અને સફાઈ કાર્ય માટે દામોદરકુંડ ઘાટ બે દિવસ માટે ખાલી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતીકાલે તા.16 અને 17 તારીખ એટલે કે મંગળવાર અને બુધવારના રોજ સફાઈ અને મેન્ટેનન્સના કારણે ઘાટ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. સફાઈની આ કામગીરી પૂર્ણ થયા બાદ તા.18 ગુરુવારથી દામોદરકુંડ ઘાટ ભાવિકો માટે રાબેતા મુજબ કાર્યરત થઈ જશે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: