જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગણા ગામમાં એક અત્યંત દુઃખદ ઘટના ઘટી છે. પ્રસૂતિ બાદ એક મહિલાની તબિયત અચાનક બગડતા અને સમયસર સારવાર ન મળવાને કારણે તેનું મૃત્યુ થયું છે. મળતી માહિતી મુજબ, ગણા ગામની સગર્ભા મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી

 માણાવદરમાં સગર્ભા મહિલાનું મોત

મહિલાની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલિક સારવારની જરૂર હતી. પરિવારજનો તેને વધુ સારી સારવાર મળી રહે તે હેતુથી ઉપલેટા હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા. દુર્ભાગ્યવશ, હોસ્પિટલ પહોંચે અને ડોક્ટરો સારવાર શરૂ કરે તે પહેલા જ મહિલાએ રસ્તામાં જ પોતાનો દમ તોડી દીધો હતો. પ્રસૂતિ બાદ ઘરના આંગણે પારણું બંધાય તે પહેલા જ માતાના મોતના સમાચાર મળતા પરિવાર પર આભ ફાટ્યું છે અને ગણા ગામમાં શોક વ્યાપી ગયો છે.

સારવાર મળે તે પહેલા જ મોત

આ બનાવ અંગે જાણ થતા જ માણાવદર પોલીસ કાફલો હોસ્પિટલ અને ત્યારબાદ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ પૂરતી અકસ્માતે મોતની નોંધ કરી છે. મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે, જેથી મોતના ચોક્કસ કારણની ખબર પડી શકે. પ્રસૂતિ દરમિયાન કોઈ તબીબી બેદરકારી હતી કે કેમ તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: બે મોટી ઘરફોડ ચોરી કરી પોલીસને હાથતાળી આપનાર આરોપી જેલના સળિયા પાછળ