આગામી 4 જાન્યુઆરીના રોજ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં રાજ્યના ખૂણેખૂણેથી યુવા રમતવીરો પોતાની શક્તિ અને સ્ફૂર્તિનું પ્રદર્શન કરવા ઉમટી પડશે. આ વર્ષે સ્પર્ધા માટે કુલ 1377 સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી ચકાસણી દરમિયાન ડોક્યુમેન્ટ કે અન્ય ખામીઓને કારણે 262 સ્પર્ધકોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે કુલ 1115 રમતવીરો આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં ભાગ લઈ ગિરનારના ગઢ સર કરવા માટે મેદાનમાં ઉતરશે.
ગિરનાર આરોહણ-અવરોહણ
આ સ્પર્ધામાં ગુજરાતના 24 જેટલા વિવિધ જિલ્લાઓનું પ્રતિનિધિત્વ જોવા મળશે. સમગ્ર આયોજનને સિનિયર અને જૂનિયર એમ બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં ભાઈઓ અને બહેનો બંને ઉત્સાહભેર ભાગ લેશે. વહીવટી તંત્ર દ્વારા સ્પર્ધકોની સુરક્ષા અને સુવિધા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ગિરનારના હજારો પગથિયાં પર રમતવીરોની ગતિ અને સહનશક્તિની કસોટી થશે, જે જોવા માટે પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.
