ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ફરીવાર મેદાનમાં આવ્યા છે. તાજેતરમાં તેમણે ધર્માંતરણ પર નિવેદન આપતા રાજકીય માહોલ ગરમાયો હતો. હવે તેમણે કડી ખાતે ચંપાબા ટાઉનહોલમાં યોજાયેલા એપીએમસીના એક કાર્યક્રમમાં આકરા તેવર બતાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, ગોરખધંધા કરવાના અને ભાજપનો પટ્ટો લગાવવાનો. હવે બધાને ખબર પડી ગઈ છે એટલે લોકો છેતરાતા નથી. સહકાર આપવાની ભાવના લોકોમાં ઓછી થઈ ગઈ છે.
ખોટુ કરનારા બે ત્રણ મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે
નીતિન પટેલે કહ્યું હતું કે, બધાને સત્તા જોઈએ છે, સત્તામાં બેઠેલા લોકોને લોકો આગળ કરે છે. કોઈ હોદ્દા પર આવી જાય અને આખો પક્ષ ચાલે એવું નથી. કશુ ના કરો તો એકબીજાને નડવાનું બંધ કરો. છેલ્લા 10 વર્ષમાં સંઘર્ષ નથી જોયો માત્ર પક્ષની જાહોજલાલી જોઈ છે. માતાના ખોળામાં ઉછર્યા હોય એટલે બાપને ભૂલાય નહીં. આજે પણ ખોટુ કરનારા બે ત્રણ મંત્રીઓ પોલીસ કેસમાં જેલમાં છે. ખેડૂતને ખબર હોતી નથી અને મંત્રીઓ લોન લઈને વાપરી નાંખે છે.
