કડી તાલુકાના કુંડાળ ગામના વતની અને મહેસાણા જિલ્લાના રાજકીય, સહકારી તથા સામાજિક ક્ષેત્રના અગ્રણી વિનોદભાઈ પટેલના 65મા જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી હતી. આ નિમિત્તે કડી શહેર અને તાલુકામાં પાંચ સ્થળે મહા રક્તદાન કેમ્પ યોજાયા હતા, જેમાં કુલ 1,609 યુનિટ રક્ત એકત્રિત થયું હતું. ઉપરાંત, 101 સગર્ભા બહેનોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કડીના ટાઉનહોલ, ગાયત્રી મંદિર, ભાગ્યોદય હોસ્પિટલ, કુંડાળ ગામની અંબાજી માતાજીની વાડી અને નાનીકડી સ્થિત 27 સમાજ સેવા કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયા હતા. જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. તમામ દાતાઓને ભેટ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે કડી માર્કેટ યાર્ડ ખાતે જાહેર સભા યોજાઈ હતી. જેમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત રાજ્યભરના સાંસદો, ધારાસભ્યો, સહકારી ક્ષેત્રના અગ્રણીઓ અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ વિનોદભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી તેમના સેવાકીય યોગદાનને બિરદાવ્યું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, જાહેરજીવન અને સમાજસેવામાં કાર્યરત વ્યક્તિને પરિવાર માટે સમયનો ભોગ આપવો પડે છે. વિનોદભાઈની સાથે તેમના પત્ની વીણાબેન પણ અભિનંદનને પાત્ર છે, કારણ કે તેમણે દરેક સેવાકીય અને ધાર્મિક કાર્યમાં સાથ આપ્યો છે. કડીની શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓની પ્રગતિ પાછળ સામૂહિક એકતા અને સહયોગ રહેલો હોવાનું જણાવી તેમણે વિનોદભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોની સેવા કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. વિનોદભાઈ પટેલે તાલુકા ભાજપના પાયાના કાર્યકર તરીકે જાહેરજીવનની શરૂઆત કરી હતી. ત્યારબાદ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. તેઓ કડી એપીએમસીમાં સતત 20 વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. તેમના કાર્યકાળ દરમિયાન સબ કોટન માર્કેટ યાર્ડનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પાંચ વર્ષ અને મહેસાણા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન તરીકે પણ તેમણે જવાબદારી સંભાળી હતી. આમ, રક્તદાન, પોષણ કીટ વિતરણઅને જાહેર સભા સહિતના કાર્યક્રમો સાથે વિનોદભાઈ પટેલનો 65 મો જન્મદિવસ સેવાયજ્ઞ તરીકે ઉજવાયો હતો.
