કડીની સુવર્ણ સિટી સોસાયટી, એસ.વી. સ્કૂલ પાસે રહેતા અને જકાતનાકા વિસ્તારમાં શિવશક્તિ ફાઇનાન્સ નામે વ્યવસાય કરતા અમરેશકુમાર નટવરલાલ પટેલ ગત તા. 23મી નવેમ્બરે સાંજે એક્ટિવા લઈને દુકાને ગયા હતા. આ દરમિયાન તેમણે દુકાન નીચે આવેલા મારુતિ ડેરી પાર્લર આગળ એક્ટિવા પાર્ક કર્યું હતું. સાંજે આશરે 6 વાગ્યે દુકાન બંધ કરી ઘરે જવા માટે એક્ટિવા લેવા પહોંચતાં મારુતિ ડેરી પાર્લરના માલિક રમેશભાઈ દિનભાઈ પ્રજાપતિએ પાર્કિંગ મુદ્દે તકરાર શરૂ કરી હતી. વેપારીના આક્ષેપ મુજબ, ઉશ્કેરાયેલા રમેશભાઈ દુકાનમાંથી સળિયો લઈને અમરેશકુમાર પર હુમલો કરવા દોડયા હતા. બચાવ માટે વેપારીએ ડાબો હાથ વચ્ચે ધરતાં કાંડા અને બાવડાના ભાગે સળિયાના ઘા વાગતાં તેઓ લોહીલુહાણ થયા હતા. ઘટનાની જાણ થતાં બાજુની દુકાનના સંચાલક વિશાલભાઈ રામીએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વેપારીને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો