કડીના મણિપુર વિસ્તારમાં આવેલા 700 વર્ષ જૂના ઐતિહાસિક યવતેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસની અમાસના અંતિમ દિવસે બાબા બર્ફાનીના વિશેષ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

251થી વધુ બરફ્ની પાટમાંથી સુંદર ગુફ અને શિવલિંગ તૈયાર કરવામાં આવતા ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. બાબા બર્ફાનીના બરફ્ સ્વરૂપે દર્શન કરવા માટે કડી શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો યવતેશ્વર મહાદેવ મંદિરે ઉમટી પડયા હતા. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ શાંતિપૂર્ણ રીતે કતારમાં ઊભા રહી બરફ્ની ગુફ તથા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. 251થી વધુ બરફ્ની પાટમાંથી તૈયાર કરાયેલી ગુફા અને શિવલિંગ ભક્તો માટે મુખ્ય આકર્ષણ બન્યા હતા. બરફ્માંથી બનાવવામાં આવેલા શિવલિંગના દર્શન કરી ભક્તોએ હર હર મહાદેવના જયઘોષ સાથે ભગવાન યવતેશ્વર મહાદેવના આશીર્વાદ મેળવ્યા હતા. શ્રાવણ માસના અંતિમ દિવસે યોજાયેલા આ વિશેષ ધાર્મિક આયોજનને પગલે યવતેશ્વર મહાદેવ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં મંદિર પરિસર 'હર હર મહાદેવ'ના નાદથી ગુંજી ઊઠયું હતું.