કડી શહેર અને આસપાસના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા તેમજ અસામાજિક તત્વો પર અંકુશ લાવવા માટે પોલીસે છેલ્લા 24 કલાક દરમિયાન મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી તથા કડી વિભાગના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ વ્યાપક કાર્યવાહી કરવામાં આવી હતી.


મેગા કોમ્બિંગ દરમિયાન કડી ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનો અને મહેસાણા જિલ્લા પોલીસ કચેરીના આશરે 100થી વધુ અધિકારીઓ અને જવાનોની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ નાગરિકોમાં સુરક્ષાની ભાવના મજબૂત બને તે હેતુથી પગપાળા પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજી હતી.

પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ મેળવવા માટે પોલીસે આધુનિક ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. કડી-દેત્રોજ રોડ પર આવેલા પોદલપરા ગામની સીમમાં બાવળની ગીચ ઝાડીઓ વચ્ચે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ડ્રોન સર્વેલન્સ દરમિયાન ઝડપાઈ હતી. પોલીસે તાત્કાલિક દરોડો પાડી મહેશજી મંગાજી ઠાકોર (રહે. પોદલપરા)ને ઝડપી પાડયો હતો. સ્થળ પરથી દેશી દારૂ, વોશ તથા દારૂ બનાવવાના સાધનો મળી કુલ રૂ. 82,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત અન્ય 10 સ્થળોએ પણ સઘન નીલ રેઇડ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ટ્રાફ્કિ નિયમોના ભંગ સામે પણ પોલીસે કડક કાર્યવાહી કરી હતી. કોમ્બિંગ દરમિયાન 11 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા, જ્યારે 35 વાહનચાલકો સામે એન.સી. કેસો તથા જી.પી. એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: