કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 11 મહિના જૂના અપહરણ અને હાઇકોર્ટની હેબિયસ કોર્પસ રિટ હેઠળના ગુનામાં મહેસાણા એન્ટી હ્યુમન ટ્રાફ્કિીંગ યુનિટને મોટી સફ્ળતા મળી હતી. પોલીસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીની ધરપકડ કરી હતી.

કડી પોલીસ સ્ટેશનમાં 11 માસ અગાઉ સગીર વયની કિશોરીના અપહરણ અંગે એક ગુનો નોંધાયો હતો. આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી પણ દાખલ થઈ હતી. ?જેમાં મહેસાણા AHTUની ટીમે ટેકનિકલ સોર્સ આધારે તપાસ હાથ ધરી હતી. બાતમી આધારે ટીમે દેવભૂમિ દ્વારકાના જામ કલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામની સીમમાં ધોખાવાડી વિસ્તારના એક ખેતર માંથી અપહરણ કરનાર શખ્સ અજય રાજુભાઇ રાવળ (ઉં.વ. 21, રહે. કડી ભવપુરા)ને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો. AHTU દ્વારા બંનેને કડી પોલીસ સ્ટેશન ખાતે સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યાં આરોપી દ્વારા સગીરા સાથે શારીરિક શોષણ કે અન્ય કોઈ ગેરકાનૂની કૃત્ય આચરવામાં આવ્યું છે કે કેમ તે અંગે મેડિકલ ચેકઅપ સહિતની તપાસ કરવામાં આવશે.