કડીના નાનીકડી સ્થિત શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રી કોકિલાબેન કરસનભાઈ પટેલ ગર્લ્સ સાયન્સ કોલેજમાં MICROVISTA-2026 :Emerging Trends in Microbial Sciences વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ(DST)તથા ગુજરાત કાઉન્સિલઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(GUJCOST)ના પ્રાયોજન હેઠળ યોજાયેલી આ પરિષદમાં માઇક્રોબાયલ વિજ્ઞાન ક્ષેત્રે થઈ રહેલા આધુનિક સંશોધન અને નવીન તકનીકો અંગે વૈજ્ઞાનિક ચર્ચા કરવામાં આવી હતી. આ પરિષદમાં ટકાઉ ભવિષ્ય માટે સૂક્ષ્મજીવો, સૂક્ષ્મજીવ આધારિત જૈવ-તકનીક અને જૈવ નવીનતા, ઔષધ તથા આરોગ્ય વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન સહિતના વિવિધ વિષયો પર નિષ્ણાતોએ પોતાના સંશોધન અને અનુભવો રજૂ કર્યા હતા. માઇક્રોબાયલ વિજ્ઞાનનો કૃષિ, આરોગ્ય, ઔષધ, પર્યાવરણ અને ટકાઉ વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કેવી રીતે ઉપયોગ થઈ શકે તે અંગે પણ સહભાગીઓને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ કિશોરકુમાર પોરિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમના ઉપસ્થિતિથી પરિષદને વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું. પરિષદ દરમિયાન ડૉ. જયેન્દ્રનાથ શુક્લા, ડૉ. રાકેશ પંચાલ, ડૉ. નૂપુર ગોયલ, ડૉ. વિજય સિંહ અને ડૉ. માધવી જોશી સહિતના પ્રતિષ્ઠિત નિષ્ણાતોએ વિવિધ વિષયો પર વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓ તથા સંશોધકોને માર્ગદર્શન આપ્યું હતું.

નિષ્ણાતોએ માઇક્રોબાયલ વિજ્ઞાનમાં થઈ રહેલી નવીન શોધો, જૈવ-તકનીકના વધતા ઉપયોગ અને સંશોધનના નવા આયામો અંગે માહિતી આપી હતી. સાથે સાથે સમાજ અને પર્યાવરણને વધુ ટકાઉ બનાવવામાં સૂક્ષ્મજીવોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે પણ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવી હતી.

પરિષદનું આયોજન અને સંકલન કોલેજના આચાર્ય ડૉ.ગુજન બી. દવે તથા માઇક્રોબાયોલોજી વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર ભાવિન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. પરિષદમાં વિદ્યાર્થીઓ અને સંશોધકોને ક્ષેત્રના નિષ્ણાતો સાથેસીધો સંવાદ સાધવાની તેમજ માઇક્રોબાયલ વિજ્ઞાન ક્ષેત્રે ચાલી રહેલા અદ્યતન સંશોધનથી પરિચિત થવાની તક મળી હતી.

આ રાષ્ટ્રીય પરિષદનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં માઇક્રોબાયલ વિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો તેમજ નવીન સંશોધન, તકનીકી વિકાસ અને ટકાઉ વિકાસ અંગે જાગૃતિ લાવવાનો હતો. નાનીકડી ખાતે યોજાયેલી MICROVISTA-2026 રાષ્ટ્રીય પરિષદે વિજ્ઞાન ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અનેસંશોધકો માટે જ્ઞાનવર્ધક તથા સંશોધનને પ્રોત્સાહન આપતું મંચ પૂરું પાડયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો