મહેસાણા જિલ્લા માટે એક ગૌરવવંતા સમાચાર સામે આવ્યા છે. કડી તાલુકાના નંદાસણ ગામની પસંદગી કેન્દ્ર સરકારના પંચાયત મંત્રાલય દ્વારા ગ્રા.પ. સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન (GPSDP) માટે કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંથી બે ગામોની આ યોજના માટે પસંદગી થઈ છે, જેમાં આણંદના તારાપુર અને મહેસાણાના નંદાસણનો સમાવેશ થાય છે. આ યોજના અંતર્ગત નંદાસણ ગામને આગામી પાંચ વર્ષમાં તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ કરી એક ક્કમોડેલ વિલેજક્ર તરીકે વિકસાવવામાં આવશે. નંદાસણ ગામ હવે રાષ્ટ્રીય ફ્લક પર ચમકવા જઈ રહ્યું છે. ભારત સરકારના પંચાયત મંત્રાલય દ્વારા જીપીએસડીપી એટલે કે ગ્રામ પંચાયત સ્પેશિયલ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત નંદાસણ ગામની પસંદગી કરાઈ છે.
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગામમાં માળખાગત સુવિધાઓનો વિકાસ કરી તેને એક આદર્શ ગામ બનાવવાનો છે. જેમાં ગ્રીન એન્વાયર્મેન્ટ, શુદ્ધ હવા-પાણી અને સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવશે. તંત્ર દ્વારા આ માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.










