કડી તાલુકામાં પશુઆહારની ગુણવત્તા અને ભેળસેળની આશંકાને પગલે દોઢ મહિના અગાઉ સીલ કરવામાં આવેલા ત્રણ વેરહાઉસ ખોલીને પશુપાલન વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.NDDB લેબોરેટરીના રિપોર્ટના આધારે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા પશુઆહારના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. જોકે, અઢી લાખથી વધુ બોરીઓના જથ્થા સામે માત્ર 177 બોરી જ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં પશુપાલન વિભાગની તપાસ અને કાર્યવાહી સામે સ્થાનિક જિનસ્રમાં ભારે ચર્ચા સાથે સવાલો ઊઠયા છે. પશુઆહારના નામે હલકી ગુણવત્તાનો માલ વેચીને પશુપાલકો સાથે છેતરપિંડી થતી હોવાની આશંકાને પગલે દોઢ મહિના અગાઉ કડી તાલુકાનાં ત્રણ અને મહેસાણા તાલુકાના લીંચ ગામના એક મળી કુલ ચાર વેરહાઉસ સીલ કરવામાં આવ્યા હતા. આ વેરહાઉસમાંથી પશુઆહારના નમૂનાઓ લઈ તપાસ માટે NDDB લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરીના રિપોર્ટમાં કેટલાક નમૂનાઓનો ખોળ સબસ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યા બાદ સરકારી આદેશ મુજબ સીલ કરાયેલા વેરહાઉસ ખોલીને હલકી ગુણવત્તાનો જાહેર થયેલો જથ્થો નષ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. સોમવારે અમદાવાદ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક ડૉ. કે.જી. બ્રહ્મક્ષેત્ર અને તેમની ટીમ દ્વારા કડીના નગરાસણ તથા અલદેસણ ખાતે વેરહાઉસ ખોલી તપાસ અને જથ્થાની ગણતરી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન નગરાસણના વેરહાઉસમાંથી 48 બોરી, જ્યારે અલદેસણના બે વેરહાઉસમાંથી અનુક્રમે 36 અને 93 બોરી મળી કુલ 177 બોરી સબસ્ટાન્ડર્ડ ખોળ જાહેર કરવામાં આવ્યો હતો. આ જથ્થાને JCB ની મદદથી ખાડો ખોદીને જમીનમાં દાટી નાશ કરવામાં આવ્યો હતો.
