ધરમપુરની શાળામાં વિદ્યાર્થીઓએ શિક્ષક અને વહીવટી ભૂમિકાઓ સંભાળી શિક્ષણ, નેતૃત્વ અને જવાબદારીનો અનુભવ મેળવ્યો.
તાલુકાના ધરમપુર ગામની શ્રી ટી.ઓ. પટેલ સર્વોદય હાઈસ્કૂલ ખાતે મહાન શિક્ષણવિદ્ અને દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે શિક્ષકદિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે અનોખી પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષક-શિક્ષિકાની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવ્યું હતું. ઉપરાંત શાળાના વહીવટી તંત્રની કામગીરીનો અનુભવ મેળવતા ધોરણ-12ના વિદ્યાર્થી રુદ્ર અમૃતભાઈ રબારીએ આચાર્ય, ધાર્મિક પ્રજાપતિએ ક્લાર્ક તથા બંસી રાવળ અને ધ્રુવ સાધુએ સેવક તરીકેની જવાબદારી સંભાળી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વૈશાલી ઠાકોરે કર્યું હતું. વિદ્યાર્થીઓને શિક્ષકની જવાબદારી નિભાવવાનો મોકો મળતા તેમનામાં આત્મવિશ્વાસ, નેતૃત્વ અને જવાબદારીની ભાવના વિકસે તેવો અનુભવ થયો હતો. વિદ્યાર્થીઓએ કરેલા શિક્ષણકાર્યને સૌએ બિરદાવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ડૉ. ધર્મેન્દ્રભાઈએ માનવજીવનના ઘડતર તેમજ સમાજ અને વિશ્વના વિકાસમાં શિક્ષકની ભૂમિકા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનું આયોજન શિક્ષક ભાવેશભાઈ સુથારે કર્યું હતું.
