કલોલના પૂર્વ વિસ્તારમાં જમણવાર દરમિયાન રસ્તો બંધ કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ખેંગારભાઈ સવાભાઈ પરમાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અશોકજી ઠાકોરના દીકરાના લગ્નના જમણવાર વખતે રસ્તો બંધ હતો. તે સમયે નવીન ઉર્ફે ભાયો સોલંકી બાઇક લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે ખેંગારભાઈએ તેને રસ્તો બંધ હોવાની વાત કરી.
સામાન્ય બોલાચાલીમાં કરાઇ હતી યુવકની હત્યા
આ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ખેંગારભાઈના જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી ત્યારે નવીન ઉર્ફે ભાયો સોલંકી, નયન ઉર્ફે કા ભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમરતભાઈ સોલંકી સહિત પાંચ જેટલા આરોપીઓ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા હિંસક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ખેંગારભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બેભાન થયેલા ખેંગારભાઈનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત થયું હતું.
