કલોલ તાલુકાના નારદીપુર ખાતે આવેલ ભટ્ટ એચ.વી.સી. ભગિની વિદ્યાલય ખાતે 11મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગ શિબિર, પરિસંવાદ, ધન્વંતરિ યજ્ઞ, વૃક્ષારોપણ, આયુષ પ્રદર્શન તેમજ આરોગ્ય તપાસ અને નિદાન-સારવાર કેમ્પ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ચેરમેન રશ્મિકુમાર ઠાકોર, નાયબ નિયામક આયુર્વેદ વૈદ્ય ભાવનાબેન પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય કરી કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ધન્વંતરિ યજ્ઞમાં જિલ્લાવાસીઓના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આહુતિ અર્પણ કરી પ્રાર્થના કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણ શાખા અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી નારદીપુરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમાં વિવિધ શાળાના કુલ 1250 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આયુષ પ્રદર્શન તથા પરિસંવાદમાં ભાગ લીધો હતો. જ્યારે 304 બાળકોએ આયુષ નિદાન-સારવાર કેમ્પનો લાભ લીધો હતો. ઉપરાંત 250 બાળકીઓએ યોગ શિબિરમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
