કલોલ શહેરના પુર્વ વિસ્તારની એક સોસાયટીમાં આવેલ બંધ મકાનમાં આજરોજ આગ ભભુકી ઉઠી હતી. આગે સમગ્ર ઘરને ઝપટમાં લઇ લેતા ઘરવખરી બળીને ખાક થઇ ગઇ હતી. સદભાગ્યે ઘર બંધ હોવાથી કોઇ જાનહાની થઇ નહતી. ઘરમાં રાખેલ ફ્રીઝમાં આગ લાગ્યા બાદ કમ્પ્રેશન ફાટતા આગ વધુ પ્રસરી હતી. કલોલના પુર્વ વિસ્તારમાં આવેલ જય ભવાની રોહ હાઉસના મકાન નંબર -53માં આ ઘટના બની હતી. ઘરના માલિક મકાન બંધ કરીને બહાર ગયા હતા. તે સમયે ફ્રિઝમાં કોઇ કારણોસર આગ ભભુકી ઉઠી હતી. આગમાં ફ્રીજનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાડયુ હતું. આગે થોડીક્ષણોમાં જ સમગ્ર ઘરને આગની જ્વાળાઓમાં સમેટી લીધુ હતું. ધુમાડા બંધ મકાનમાંથી બહાર નીકળતા આસપાસ રહેતા લોકો પણ દહાર દોડી આવ્યા હતા. આગ બુઝાવવા માટે તેઓએ પ્રયાસ કર્યો હતો. પરંતુ આગની જ્વાળાઓએ સમગ્ર ઘરને ઝપટમાં લેતા સ્થાનિક લોકોનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. આ દરમિયાન કલોલ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી.ફાયર બ્રિગેડની ટીમે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ઘરમાં ગેસનો ભરેલો સિલીન્ડર પણ હતો. આગની જ્વાળાઓથી સિલીન્ડર ફાટે તે પુર્વે જ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને પ્રથમ ગેસના સિલીન્ડરને બહાર કાઢયો હતો. ત્યારબાદ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાથી આસપાસના રહિશોના જીવ પડીકે બંધાઇ ગયા હતા. આગ સમયસર કાબુમાં આવી જતા હાજર લોકોએ હાંશકારો વ્યક્ત કર્યો હતો. આગના કારણે ઘરમાં રહેલ ઘરવખરી બળીને ખાક્ થઇ ગઇ હતી. જોકે, સદભાગ્યે મકાન બંધ હોવાના કારણે કોઇ જાનહાની થઇ નહતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો