કાલોલ તાલુકા પંથકમાં શુક્રવારે મોડી સાંજે ભારે વરસાદના માહોલ વચ્ચે બાકરોલ-ભાદરોલી ગામની સીમ વચ્ચેથી પસાર થતા દિલ્હી-મુંબઈ કોરીડોર પાસે ગોમા નદીના નાળા પાસેથી પસાર થતા સમયે પગ લપસીને નદીમાં પડતા ઉપરથી ઘસ પણ ઘસી પડતાં ગરકાવ થયેલા બાકરોલ ગામના સ્થાનિક એક 22 વર્ષિય યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ તાલુકાના બાકરોલ પંચાયતના કાંટાવેડા ફ્ળિયાનો 22 વર્ષિય યુવક રણવીરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર ભાદરોલી બુઝુર્ગ પંચાયતની સીમમાં આવેલ દિલ્હી - મુંબઈ નેશનલ કોરીડોર હાઇવે પાસેના ખેતરમાં પોતાના દુધાળા પશુઓનું દૂધ દોહીને સાંજે સાડા પાંચ વાગ્યાના અરસામાં દૂધ લઈને બાકરોલ ગામમાં આવવા નિકળ્યો હતો. ત્યારે વરસાદી માહોલમાં ઉતાવળે ઘર તરફ્ ચાલતા જતાં સમયે ભાદરોલી બુઝર્ગ ગામની સીમમાં આવેલ ગોમા નદી પટના કોતરના કિનારે ઢાળ ઉતરતા તેનો પગ અચાનક લપસી જતાં નદીમાં પડી ગયેલ અને તેની ઉપર માટીની ધસ પણ ઘસી પડતાં તે માટી નીચે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. એ સમયે કાકાનો દિકરો નજીકમાં હોય તેને રણવીરને બચાવવા માટે બુમા બુમ કરતાં આસપાસના લોકોએ ગામના માણસોને જાણ કરતાં લોકોએ ઘટના સ્થળે સ્થળે દોડી આવીને બચાવ કામગીરી હાથ ધરીને રણવીરને બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડીને વધુ સારવાર માટે કાલોલ સરકારી દવાખાનામાં લઈ ગયેલા ત્યારે ફરજ પરના ડોક્ટરે તપાસ કરીને રણવીર મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પરિવારજનોએ કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી.