કલોલમાં ગણેશ ચતુર્થીથી અનંત ચતર્દશી સુધી ચાલેલા ગણેશોત્સવનું આજે સમાપન થયું હતું. સાર્વજનિક ગણેશોત્સવ મંડળો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે બાપ્પાને ભાવભરી વિદાય આપી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અગલે બરસ તું જલ્દી આના નારા સાથે ગણપતિ બાપ્પાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. કલોલમાં આવેલી મહેન્દ્ર મિલની ચાલી, જી.ઈ.બી. સામે અને જુના ચોરા સહિત અન્ય વિસ્તારોમાં સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળમાં ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. આજે તેમની ભવ્ય શોભાયાત્રા સાથે વિદાય કરાઈ હતી. જેમા ડીજેના તાલ સાથે લોકો ઝુમી ઉઠયા હતા અને ગણપતિ બાપ્પા મોરીયા અગલે બરસ તું જલ્દી આના નારા સાથે બાપ્પાને ભવ્ય વિદાય આપવામાં આવી હતી. લોકોએ પોતાના ઘરમાં સ્થાપિત કરેલા ઈકો ફ્રેન્ડલી ગણપતિ દાદાની મૂર્તિને ઘરના પાણીમાં જ વિસર્જન કર્યું હતું. કલોલમાં નીકળેલી ભવ્ય શોભા યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કલોલના નવજીવન રોડ સ્ટેશન રોડ ટાવર ચોક થઈને શોભાયાત્રાઓ અંબાજી મંદિર પહોંચી હતી. જ્યાંથી બાપ્પાની મૂર્તિઓ સાથે મંડળો વિસર્જન કરવા માટે પહોંચ્યા હતા.
