કલોલ તાલુકાના દંતાલી ગામે રહેતો યુવક રાજકુમાર ઉર્ફે છોટુ ગુલાબ પ્રસાદ બનસલ(ઉ.વ. 20) (મુળ રહે. અમડીહા જિલ્લો સિદ્ધિ મધ્યપ્રદેશ) એ 12 વર્ષની સગીરાનું અપહરણ કરીને તેને મધ્યપ્રદેશ તથા બિહાર લઈ ગયો હતો. અને તેની ઉપર અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાતા સાંતેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. અને તેની સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સામે જરૂરી પુરતા પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કરવામાં આવતા કેસ કલોલની સેશન્સ કોર્ટમાં જજ બી.આર. રાજપૂત સમક્ષ ચાલી રહ્યો હતો. જેમાં સરકાર પક્ષના વકીલ જીગ્નેશ એચ.જોષીએ ધારદાર દલીલો કરી હતી અને પુરતા પુરાવા અને જુબાનીઓ વગેરે રજુ થતા કોર્ટે સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને ચુકાદાની શરૂઆત સંસ્કૃતના શ્લોકથી કરી હતી. કોર્ટે સંસ્કૃતના શ્લોક દ્વારા કહ્યું હતું. કે બાળપણમાં પિતા અને સમાજે પોતાના પ્રાણના ભોગે પણ કન્યા અને બાળકોનું રક્ષણ કરવું જોઈએ તેમની સુરક્ષાએ સમાજનો સર્વોપરી ધર્મ છે. તેમ કહીને પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આરોપી રાજકુમાર ઉર્ફે છોટુ ગુલાબપ્રસાદ બંસલને 20 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો