કલોલ હાઈવે ઉપર સઈજ જીઆઈડીસીમાં સહયોગ ઓર્ગેનિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપની દ્વારા વાતાવરણમાં ઝેરી ગેસ સહિતના રસાયણો છોડવામાં આવે છે. જેના કારણે કલોલવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અગાઉ આ પ્લાન્ટમાં ગંભીર અકસ્માતો બનેલા છે. જેને લઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમ છતાં કંપની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા ગંભીર પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. આ અંગે મળતી માહિતી અનુસાર કલોલના હાઈવે ઉપર સઈજ જીઆઈડીસીમાં સહયોગ ઓર્ગેનિકસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની આવેલી છે આ કંપનીમાં કેમિકલ ડાય બનાવવામાં આવે છે. જેના માટે જોખમી રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ અતિ ગંભીર પ્રકારનો કહી શકાય તેવા ગેસનો પણ તેમાં ઉપયોગ કરાય છે. જેનાથી ડાય બનાવવામાં આવે છે. કંપની દ્વારા કલોલના વાતાવરણમાં ઝેરી વાયુ અને રસાયણો છોડવામાં આવતા હોવાના કારણે કલોલ વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠયા છે. રાત પડતા જ એક અલગ જ પ્રકારની ગંધ વાતાવરણમાં પ્રસરી જાય છે. અને લોકોને નાકમાં બળતરા સહિત આંખમાં બળતરા થવી જેવા આરોગ્ય સંબંધિત પ્રશ્નો ઉભા થવા પામ્યા છે. અગાઉ આ કંપનીમાં બે ગંભીર દુર્ઘટનાઓ સર્જાઈ હતી. જેમાં અગાઉ બનેલી આ ઘટનામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીનીઓ ગેસ ગળતરના કારણે બેભાન થઈ ગઈ હતી. અને તેમના જીવ ઉપર જોખમ ઉભું થવા પામ્યું હતું. તેને લઈને કંપનીની સામે વિદ્યાર્થીઓએ ભારે દેખાવો કરીને વિરોધ વ્યકત કર્યો હતો. ત્યારે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓએ કંપનીની મુલાકાત લઈને કંપનીને બંધ કરવાની નોટીસ ફટકારી દીધી હતી. તેમ છતાં કંપની ચાલુ રહી હતી. અને બીજી વાર બનેલી દુર્ઘટનામાં ગેસ ગળતરથી બાજુની કંપનીમાં રહેતી એક મહિલા ઘટના સ્થળે બેભાન થઈ ગઈ હતી. આ પ્રકારના ગંભીર બનાવો બન્યા હોવા છતાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પણ આ કંપનીના સંચાલકો ઘોળીને પી ગયા છે. અને કોઈને પણ ગાંઠતા નથી તાજેતરમાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા પ્લાન્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી. ત્યારે હવે આ તપાસમાં શું સામે આવે છે અને કેવા પગલા ભરવામાં આવે છે તે જોવું રહ્યું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો