કાલોલ તાલુકાના ઘુસર પંથકમાં ગેરકાયદે રેતી ખનન સામે તંત્રએ લાલઆંખ કરી રેતી ખનન કરતાં વાહનોને ગોમા નદી તરફ જતાં રોકવા માટે નદી તરફ જવાના ચાર રસ્તા ખોદી નાંખી અવરજવર બંધ કરી દેવાઈ છે. તેમજ મામલતદાર કચેરી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રસ્તાઓ ઉપર ઢોળાયેલી રેતીની સાફ્સફાઈ કરવા અંગે સૂચનાઓ આપવામાં આવી છે. કાલોલ તાલુકાના ઘુસર, ભૈરવની મુવાડી, અગાશીની મુવાડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી ગોમા નદી પટમાંથી ગેરકાયદે રેતી ખનન અને રેતી ભરેલા ભારે વાહનોની અવરજવરને કારણે ગ્રામજનો તથા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. આ સમસ્યાને લઈને ઘુસર ગ્રામ પંચાયત અને સ્થાનિક ખેડૂતોએ મામલતદારને લેખિત રજૂઆત કરતાં તંત્ર હરકતમાં આવ્યું હતું અને જિલ્લા (ગોધરા) પ્રાંત અધિકારીની સૂચના મુજબ મામલતદારની ટીમે ઘુસર, અગાશીની મુવાડી અને ભૈરવની મુવાડી વિસ્તારમાંથી ગોમા નદીમાં રેતી ખનન માટે વાહનોની અવરજવર માટેના ચાર રસ્તા જેસીબીથી ખોદી નાખ્યા હતા. આ કાર્યવાહીથી રેતી વહન કરતા વાહનોની અવરજવર ઉપર અંકુશ લાવવાનો પ્રયાસ કરાયો છે. ઉપરાંત રેતી ભરેલા ઓવરલોડ વાહનો દ્વારા માર્ગો ઉપર રેતી ઢોળાતી હોવાથી વાહનચાલકો, ખાસ કરીને બાઈકચાલકો માટે જોખમી પરિસ્થિતિ સર્જાતી હતી. આ બાબતને પણ તંત્ર દ્વારા ગંભીરતાથી લઈ મામલતદાર કચેરી દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રસ્તાઓ ઉપર ઢોળાયેલી રેતીની સાફ્સફાઈ કરવા અંગે સૂચનાઓ અપાઈ છે. જોકે રસ્તા ખોદી કાઢવામાં આવ્યા પછી તંત્રનો આ તુક્કો કેટલો કારગત નીવડે છે તેમજ હવે તંત્ર દ્વારા રેતી ખનન તથા ઓવરલોડ વાહનો સામે કાયમી અને અસરકારક નિયંત્રણ માટે કેવાં પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.
