કાલોલમાં કાલથી એટલે કે સોમવારથી ગણેશોત્સવનો ધામધૂમથી પ્રારંભ થઇ રહ્યો છે. નગરમાં વિવિધ મંડળો દ્વારા સ્થાપવામાં આવેલ શ્રીજીના વિવિધ સ્વરૂપોની પ્રતિમાઓ સમક્ષ ભક્તો રોજ પુજા અર્ચના કરીને લાડુના ભોગ લગાવશે. બાપ્પા કાલોલ શહેરમાં 06 દિવસનું આતિથ્ય માણશે.

કાલોલ શહેરમાં પાછલા પંદર દિવસોથી વિવિધ મંડળોના ગણપતિ બાપ્પાના ભવ્ય આગમન સાથે સમગ્ર શહેરમાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી ગુંજી રહ્યું છે, વિવિધ મંડળો દ્વારા વિઘ્નહર્તાનું ઉમળકાભેર સ્વાગત કરીને ગણેશોત્સવની ઉત્સાહભેર પૂર્વતૈયારીઓ ચાલી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાછલા પંદર દિવસોથી ગણેશ મંડળો દ્વારા શ્રીજીની પ્રતિમાઓનું ઢોલ-નગારાં, ડીજેના તાલ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણપતિ બાપ્પાના આગમનથી સમગ્ર શહેર ભક્તિના રંગે રંગાઈ ગયું હોવાનું જોવા મળે છે. શહેરમાં આગામી ગણેશોત્સવને લઈને કાલોલના યુવાનોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. જે અંતર્ગત વિવિધ મંડળો દ્વારા અનોખા અંદાજ અને આકર્ષક સજાવટ સાથે પંડાલ તૈયાર કરીને આખરી ઓપ આપી રહ્યા છે. વિવિધ ગણેશ મંડળોના કાર્યકરો અને ભક્તોએ શ્રીજીની પ્રતિમાઓને શોભાયાત્રા સ્વરૂપે પોતાના પંડાલ સુધી લઈ જઈને ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દીધી છે, આ દરમિયાન રોજ રોજ વિવિધ સ્વરૂપોએ આગમન કરતા ક્કગણપતિ બાપ્પા મોરિયાક્રના જયઘોષથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાલોલ શહેરમાં કાલોલના સમ્રાટ, રાણા ચા રાજા, વૃંદાવનના મહારાજા, કાલોલના રાજા વિનાયક ગ્રુપ, વિઘ્નહર્તા ગ્રુપ, કાલોલના શ્રીમંત, કાલોલ ચા બાપ્પા યુનિવર્સલ ગ્રુપ, ક્ષત્રિય ગ્રુપ તેમજ કાલોલના મહારાજા કાછીયાવાડ સહિતના વિવિધ મોટા ગણેશ મંડળો દ્વારા અલગ-અલગ દિવસોએ શ્રીજી મહારાજનું ભવ્ય આગમન થઈ ચૂક્યું છે ત્યારે વિવિધ વિસ્તારોમાં ગણેશજીના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ સાથે ગણેશોત્સવની ભક્તિ, ઉત્સાહ અને આનંદનો માહોલ છવાયો છે.