12
કાલોલ : કાલોલ તાલુકાના મધવાસ ગ્રામ પંચાયતના બરોલા ખાતે આવેલી ફ્લાપિનો ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે એક મહાકાય મગર આવી પહોંચતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના સ્થાનિક મજૂરો રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક કોઈ ઘુરકવાનો અવાજ સંભળાતા તેમણે બાઈકની લાઈટ ચાલુ કરીને તપાસ કરતાં મહાકાય મગર જોવા મળતા મજૂરો ગભરાઈ ગયા હતાં. આ અંગે કંપનીના માલિકને જાણ કરાતા તેઓ પણ કંપની ખાતે દોડી આવ્યા હતા. જેમણે વેજલપુર ફોરેસ્ટ વિભાગ તેમજ જીવદયા પ્રેમીઓને જાણ કરતાં ફોરેસ્ટ વિભાગ અને જીવદયા પ્રેમીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી જરૂરી સાધનસામગ્રી દ્વારા વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારે જહેમતને અંતે મહાકાય મગરનું સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ રેસ્ક્યુ કામગીરીમાં SF Nature Singh Foundationની જીવદયા ટીમે પણ સહયોગ આપ્યો હતો.
