કાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ જલારામબાપાના ધામ ગણાતા બેઢીયા અને ખંડોળી ખાતે બુધવારે બાપાની 227 મી જન્મજયંતીની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી જેનો હજારો ભાવિકોએ લાભ લીધો હતો. કાલોલ તાલુકાના ખંડોળીધામ ખાતે આવેલા સુપ્રસિધ્ધ જલારામ બાપાના મંદિરે જલારામ જયંતિની ઉજવણી કરાઇ હતી. આ વર્ષે બેઢીયા તૃતીય પાટોત્સવ નિમિત્તે જલારામબાપાની 227મી જન્મજયંતી નિમિત્તે મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભવ્ય ઉજવણી ભાગરૂપે મંદિરને સુશોભિત કરીને પુષ્પોની રંગોળી આદરીને વહેલી સવારથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતાં પુર્વતૈયારીઓ સાથે સ્વયંસેવકો તૈનાત રહ્યા હતા. બુધવારે ખંડોળીધામ ખાતે એક લાખથી પણ વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને મહાપ્રસાદી માટે ઉમટી પડયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખંડોળીધામ ખાતે જલારામ બાપાના સદાવ્રતના મહિમાસભર આ વર્ષે 60 મણ બુંદી, 100 મણ ચોખા, 25 મણ દાળ, 20 મણ ગાંઠિયા અને 80 મણ શાકની મહાપ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. જ્યારે જલારામ મંદિર બેઢીયા ખાતે તૃતીય પાટોત્સવ અને ગેટ તેમજ શ્રદ્ધાળુઓ માટે વિશાળ પાર્કીગ ની વ્યવસ્થા કરવામાં આવી હતી.તેમજ મંદિર ના ટ્રસ્ટી દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો જેમાં 50 ઉપરાંત રક્ત દાતાઓ એ રક્તદાન કર્યું હતું. બેઢિયા સ્થિત જલારામધામ મંદિર ખાતે અંદાજીત 60 મણ બુંદી, 25 મણ ગાંઠિયાના પ્રસાદ સાથે અંદાજે ચાલીસ હજાર જેટલા ભાવિકોએ દર્શન અને સદાવ્રતનો લાભ લીધો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો