કલોલના જમિયતપુરા નજીક રેલવે ટ્રેક બ્રિજને બચાવવા માટે લગાવવામાં આવેલું હાઇટ બેરિયર હાલમાં અત્યંત જોખમી સ્થિતિમાં આવી ગયું છે. કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા આ હાઇટ બેરિયર એક તરફ નમી પડ્યું છે અને ભયજનક સ્થિતિમાં ઊભું છે. હાઇટ બેરિયરનું આ રીતે નમી પડવું સ્થાનિકો અને વાહનચાલકો માટે ગંભીર અકસ્માતનો ખતરો પેદા કરી રહ્યું છે.
કોઈ અકસ્માત સર્જાય તે પહેલા રીપેરીંગ કરે તેવી માંગ
જો આ બેરિયર અચાનક કોઈ પસાર થતા વાહન ઉપર પડે તો મોટો અકસ્માત સર્જાઈ શકે છે અને જાનહાનિ થવાની પણ સંભાવના છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે આ જોખમી હાઇટ બેરિયરનું સમારકામ કરવાની માંગ કરી છે. કોઈ ગંભીર દુર્ઘટના સર્જાય તે પહેલાં રેલવે અને વહીવટી તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જરૂરી છે.
