કલોલમાં બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે અને ગતરોજ ભારે વરસાદ તૂટી પડયો હતો. જેના કારણે શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ એક જર્જરીત મકાનની દિવાલ તૂટી પડી હતી. જર્જરીત મકાનની પેરાપેટ દિવાલ ધરાશાહી થઈ ગઈ હતી. અકસ્માતમાં કોઈને ઈજાઓ ન પહોંચતા લોકોએ હાશકારો વ્યકત કર્યો હતો. શહેરના કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ જીવન પ્રકાશ સોસાયટીમાં એક જર્જરીત મકાનની પેરાપેટ દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. ઘટનાના સમયે મકાન માલિક હાજર ન હોવાથી અને આસપાસ કોઈ વ્યકિત ન હતી તેથી મોટી જાનહાની કે દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ કલોલ પાલિકાને થતા ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતાં આ મકાન જોખમી હોવાનું માલુમ પડયું હતું. મકાન જર્જરીત થઈ ગયું હોવાથી તૂટી પડે તેવી શકયતાઓને લઈ નગરપાલિકા દ્વારા અનહોનીને ટાળવા આ મકાન જર્જરીત છે., તેમાં પ્રવેશ કરવો નહી તેવું ચેતવણી દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું હતું.