કાલોલમાં દિવાળીના પર્વનો ઉત્સાહ અને ઉજવણીની રોનક સાથે નગર સહિત તાલુકાભરમાં તહેવારોનો માહોલ જામવા લાગ્યો છે. જોકે તહેવારોની સિઝનમાં પ્રારંભે નબળી શરૂઆત પછી શુક્રવારે ધનતેરસથી ઘરાકી નિકળતાં રાહતનો ચમકારો જોવા મળી રહ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કાલોલ પંથકમાં દિવાળી મહાપર્વની ઉજવણીના ભાગરૂપે ખરીદીની તૈયારીઓ, ઘરોમાં સાફ્સફાઈ, સુશોભન અને રંગરોગાનની પ્રવૃત્તિઓની જમાવટ વચ્ચે બજારમાં પાછલા એક સપ્તાહ દરમ્યાન મંદીનો માહોલ હોય તેવો વેપારી આલમમાં ચિંતાનો આસાર જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને કરિયાણા, મિઠાઈ, ફરસાણ, ખાણીપીણી, સુશોભનની ચીજવસ્તુઓનું બજાર સામાન્ય હતું, પરંતુ કપડાં, ફ્ટાકડા, ઇલેક્ટ્રોનિક્સ અને અન્ય ચીજવસ્તુઓના બજારમાં સામાન્ય સ્થિતિ જોવા મળતા વેપારીઓ ઘરાકી માટે ચિંતાતુર બન્યા છે. જોકે કાલોલ તાલુકામાં મોટા ભાગના લોકો શ્રામજીવીઓ હોવાથી જીઆઇડીસીના પગારની તારીખોને આધીન એક તરફ્ વેપારી વર્ગને દિવાળીના તહેવારો દરમિયાન ગ્રાહકોની અવરજવર વધવાની અને વેપારમાં તેજી આવવાની આશા હતી તેમ ધનતેરસ પર્વની સાથે ધીમે ધીમે ઘરાકી નિકળતાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. અત્યારે દિવાળીના તહેવારોને અનુલક્ષીને લોકો મિજાજમાં દીવડાઓ પ્રગટાવવાની તૈયારીઓ વચ્ચે એક તરફ્ તેજીનો નવસંચાર તો બીજી તરફ્ મંદીના ડરની પણ ચર્ચા જગાવી છે.