કલોલ પૂર્વ વિસ્તારના નાગરિકોને સીધા અમદાવાદ મહેસાણા હાઈવે સાથે જોડવાના ઉદ્દેશ્યથી ઔડા દ્વારા શરૂ કરાયેલો ટીપી-3 નો 24 મીટરનો મહત્વાકાંક્ષી રોડ પ્રોજેકટ એક વર્ષ બાદ પણ અધુરો પડયો છે. ગત વર્ષે 24 નવેમ્બર 2025 ના રોજ તંત્ર દ્વારા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી કરીને આ પ્રોજેકટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે બાર મહિનાનો લાંબો સમયગાળો વીતી ગયા પછી પણ અંદાજીત 2.5 થી 3 કિલોમીટરનો આ માર્ગ સળંગ બની શકયો નથી જે તંત્રની અણઆવડત અને મંથર ગતિની ચાડી ખાય છે. આ અંગે મળતી માહિતી અનુસાર ઔડા દ્વારા ટીપી 3 ના 24 મીટર રોડનું કામ પૂર્ણ નહી થતા નાગરિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હાલમાં આ સમગ્ર 24 મીટરનો રોડ સળંગ બનવાને બદલે અલગ અલગ ટુકડાઓમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે.માણસા રોડથી લાયન્સનગર સોસાયટી સુધીનો ભાગ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ લાયન્સ નગરથી અંકુર મેદાન થઈ આરસોડીયા રોડ સુધીનો મુખ્ય પટ્ટો હજુ પણ અધુરો પડયો છે. મોરારજીનગર આગળ પણ કામગીરી ઠપ્પ હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ રોડને સીધો અમદાવાદ મહેસાણા હાઈવે સાથે જોડવાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ હાલની સ્થિતિએ આ રોડ હાઈવે સુધી પહોંચવાને બદલે માત્ર સઈજ રોડ સુધીજ સીમીત રહી ગયો છે. હાઈવે કનેકિટવીટીના કોઈ ઠેકાણા ન હોવાથી પૂર્વ વિસ્તારની જનતાને હાઈવે પર જવા માટે હજુ પણ ટ્રાફીકથી ધમધમતા જુના રસ્તાઓનો જ સહારો લેવો પડી રહ્યો છે. જેટલો ભાગ તૈયાર થયો છે. ત્યાં પણ સ્ટ્રીટ લાઈટ અને ડીવાઈડર જેવી પ્રાથમિક સુવિધાઓનો સંદત અભાવ છે. જેના કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. બીજી તરફ રઘુવીર ચોકડી આસપાસના 1ર મીટરના રસ્તાઓની હાલત પણ અત્યંત દયનીય છે.
