કાલોલ તાલુકાના ગેંગડીયા ચોકડી ખાતે ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક સંબોધન કરી ભગવાન બિરસા મુંડાજીના જીવન, સંઘર્ષ અને આદિવાસી સમાજના ઉત્થાન માટેના તેમના યોગદાનને યાદ કર્યા હતા. સાથે જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉદ્બોધન વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી દ્વારા દેશનાં વિવિધ રાજ્યોમાં જનજાતીય સમાજના વિકાસ અને કલ્યાણ સાથે સંકળાયેલા 170 થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ 70થી વધુ પ્રકલ્પોનું શિલાન્યાસ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સીધું પ્રસારણ ગેંગડીયા ચોકડી ખાતે ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું.વધુમાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી સમાજમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જળ, જંગલ અને જમીન તેમજ જનજાતીય સમાજની અસ્મિતા, સંસ્કૃતિ અને પરંપરાઓની રક્ષા માટે ભગવાન બિરસા મુંડાજીએ કરેલા અદમ્ય સાહસ, સંઘર્ષ અને બલિદાનને યાદ કરવામાં આવ્યું હતું. તેમના આદર્શો અને વિચારો આજની પેઢી માટે પણ પ્રેરણાસ્ત્ર્રોત બની રહ્યા છે. જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી થકી જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ અને યોગદાનને જનજન સુધી પહોંચાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.આ પ્રસંગે વડોદરાના ધારાસભ્ય કેયુર રોકડીયા, પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરજભાઈ પટેલ, કાલોલ મામલતદાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો, વિવિધ હોદ્દેદારો, મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
