કાલોલમાંવિતેલા 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. ઈન્દિરા નગરમાં તળાવના પાણી ભરાતાં બે ગર્ભવતી મહિલાઓનું રેફરલ હોસ્પિટલમાં સ્થાળાંતર કરાયું હતું. ડેરોલ સ્ટેશનથી બોરૂ રોડ સુધીના ત્રણેય રેલ્વે અંડરબ્રીજ પણ પાણી ભરાયા હતાં.
કાલોલમાં શુક્રવારે સવારથી શનિવાર સુધીના પાછલા ચોવીસ કલાકમાં 6 ઇંચ વરસાદને પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે ઈન્દિરા નગરમાં તળાવના પાણી ભરાતા તળાવ વિસ્તાર, કોલેજ રોડ, સુશાનદીપથી પિક પોઈન્ટ તળાવ સહિતના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલને અભાવે ઘણા વિસ્તારો અને જાહેર રસ્તાઓ 24 કલાકથી પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે, જેને કારણે પાણીથી ગરકાવ થયેલા વિસ્તારમાં નગરજનોને અવરજવર અને વાહન વ્યવહારથી પણ બહાર નીકળી ના શકાય તેવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. કાલોલ થી ગોળીબાર તરફ્ જવાના માર્ગ પણ ભારે વરસાદ ને કારણે બિસ્માર હાલતમાં થઈ ગયો છે. તળાવ વિસ્તારના આરોગ્ય વિભાગના સર્વે અનુસાર બે સગર્ભા મહિલાઓ પણ અસરગ્રસ્ત હોવાના અહેવાલને પગલે આરોગ્ય વિભાગની ટીમોએ તળાવ વિસ્તારમાં પહોંચી સગર્ભા મહિલાઓને શહેરની રેફરલ હોસ્પિટલ ખાતે સલામત સ્થળે ખસેડવામાં આવી હતી. બીજી તરફ્ પાછલા આઠ નવ વર્ષોથી બની રહેલા ડેરોલ સ્ટેશન સ્થિત રેલવે ઓવરબ્રિજની મંથરગતિએ ચાલતી કામગીરીને પગલે ડેરોલ સ્ટેશનથી બોરૂ રોડ સુધીના ત્રણેય રેલ્વે અંડરબ્રીજ પણ પાણીમાં ગરકાવ થઈ જતાં પાછલા ચોવીસ કલાકથી ત્રણેય અંડરબ્રીજનો વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયેલો જોવા મળે છે.
