કલોલના પીયજ ગામનો વીસીઇ રૂા.300ની લાંચ લેતા એસીબીના હાથે રંગેહાથ ઝડપાઇ ગયો હતો. એસીબીને મળેલી ફરિયાદના આધારે તેઓએ ડિકોય છટકુ ગોઠવ્યુ હતું. જેમાં આ વીસીઇ આબાદ ફસાયો હતો. તેણે જમીનની નોંધના કાગળો આપવાના બદલામાં લાંચની માંગણી કરી હતી. એસીબીને ફરિયાદ મળી હતીકે, પિયજ ગામની ગ્રામપંચાયતમાં વીસીઇ તરીકે ફરજ બજાવતો ભાવેશ સુનિલ પટેલ (ઉવ.26) અરજદારો પાસેથી જમીનની નોંધના કાગળો આપવાના બદલામાં 100 થી 1000 રૂપિયા સુધીની લાંચ લે છે. જે ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીના મદદનીશ નિયામક એ.કે.પરમારના માર્ગદર્શન હેઠળ ડિકોય છટકુ ગોઠવ્યુ હતું. છટકા દરમિયાન એસીબીના કર્મચારીઓ ડિકોયર સાથે પિયજ ગ્રામ પંચાયતની કચેરી આસપાસ ગોઠવાઇ ગયા હતા. એક ડિકોયર પાસેથી વીસીઇ ભાવેશ પટેલે જમીનની નોંધના કાગળો આપવાના બદલામાં 300 રૂપિયાની લાંચ માંગી હતી. જે લાંચ આપતા સમયે લેતુલક્ષી વાતચીત પણ કરી હતી. આ દરમિયાન જ આસપાસ ગોઠવાયેલ એસીબીનો સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને રૂા. 300ની લાંચ સ્વિકારનાર વીસીઇ ( વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) ભાવેશ પટેલને રંગેહાથ ઝડપી લીધો હતો. એસીબીએ તેના કબજામાંથી લાંચની રોકડ રકમ પણ જપ્ત કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો