ગાંધીનગર જિલ્લાના કલોલ હાઇવે પર આજે એકાએક આગની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. હાઇવે પર આવેલા ટાટા મોટર્સના શોરૂમની બાજુમાં એક ખુલ્લા પ્લોટમાં પડેલા મશીનરીના સામાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે તેના કાળા ધુમાડાના ગોટેગોટા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.


કલોલ હાઇવે પર મશીનમાં આગ

મળતી માહિતી મુજબ કલોલ હાઇવે પર ટાટા મોટર્સના શોરૂમની બિલકુલ બાજુમાં એક મોટો ખુલ્લો પ્લોટ આવેલો છે. આ પ્લોટમાં કેટલીક જૂની મશીનરી અને અન્ય સામાન રાખવામાં આવ્યો હતો. બપોરના સમયે આ મશીનરીમાં અચાનક કોઈ કારણસર આગ લાગી હતી. મશીનમાં ઓઈલ અથવા જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી.આગ એટલી તીવ્ર હતી કે આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો. હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો પણ આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. ભયના માર્યા આસપાસના શોરૂમ અને દુકાનદારોમાં પણ ફાળ પડી હતી.

ફાયર બ્રિગેડની કામગીરી

ઘટનાની જાણ થતા જ કલોલ નગરપાલિકાનું ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ સમય સૂચકતા વાપરીને સળગતી મશીનરી પર પાણીનો સતત મારો ચલાવ્યો હતો. આસપાસ અન્ય વાહનો કે શોરૂમ હોવાથી આગ વધુ ન ફેલાય તે માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. કલોલ ફાયર બ્રિગેડની સતત કામગીરી બાદ અંતે આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્લોટમાં રહેલી મશીનરીને ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા ગરમીને કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા સેવાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: