ગાંધીનગર નજીક કલોલના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA - ઔડા) દ્વારા ગેરકાયદે દબાણો હટાવવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં ઔડાની જમીન પર ખડકાયેલા કાચા-પાકા દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
દીવડા તલાવડી પાસે કાર્યવાહી
આ ડિમોલિશનની કામગીરી કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલા દીવડા તલાવડી પાસે હાથ ધરવામાં આવી હતી. ઔડાની માલિકીની જગ્યા ઉપર વર્ષોથી ગેરકાયદેસર રીતે પાકા દબાણો ખડકાઈ ગયા હતા, જેના કારણે રસ્તાની કામગીરી અવરોધાતી હતી. ઔડા દ્વારા મુખ્યત્વે 24 મીટરનો રોડ ખુલ્લો કરાવવાના આશયથી આ દબાણો હટાવવામાં આવ્યા છે. આ કાર્યવાહી કલોલ-સઈજ આરસોડિયા ટીપી સ્કીમ નંબર 3માં કરવામાં આવી હતી.
