પ્રતિ વર્ષની જેમ ચાલુ સાલે શ્રાવણ સુદ-11ના દિવસે કપડવંજના મીરાપુરા ગામના પૌરાણિક શ્રી સોમાનાથ મહાદેવમાંથી પરંપરાગત રીતે દાદાને પાલખીમાં બિરાજમાન કરી શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા મહાદેવથી નીકળી નજીકના ફુલબાઈ માતાજી મંદિર,કુબેરજી મહાદેવ બાદ મોટા હનુમાનજી મંદિર ખાતે વિસામો બાદ પુનઃ શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપર ડી.જે. અને ઘોડેશ્વારી સાથે ફરી હતી જ્યાં ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.નગરના વિવિધ મંદિરો પૈકી વૈજનાથ મહાદેવ, કામેશ્વર મહાદેવ- હનુમાનપોળ, રત્નાગીરી માતાજી મંદિર- પટેલવાડા, રામજી મંદિર- લાંબીશેરી ખાતે વિસામો બાદ પુનઃ શોભાયાત્રા મોઢેશ્વરી માતાજી મંદિર, નિલકંઠ મહાદેવ, રણછોડરાય મંદિર- કાછિયાવાડ સહિત વિવિધ મંદિરોમાં દાદાનું પૂજન- અર્ચન કરી આરતી ઉતારી ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રામાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિના જ્ઞાતિજનો પરંપરાગત પોષાક પિતાંબર ધારણ કરી જય સોમેશ્વર,જય ભુવનેશ્વર,જય કુબેરના નાદ સાથે દાદાની સવારી નગર ચર્યાએ નીકળી હતી. નગરના વિવિધ ઠેકાણે શોભાયાત્રાના ભાવિકો માટે શરબત,પાણી વગેરેનું આયોજન જે તે વિસ્તારના લોકોએ કર્યું હતું.
