કરજણ તાલુકો ખેતી ઉપર નભતો તાલુકો છે. હાલમાં નવી ખેતીની સીઝન તૈયાર કરવા માટે ખેડૂતોએ કપાસ સહિત અન્ય શાકભાજી જેવા પાકોની વાવણી કરેલ હોય છે. જેમાં ખાતરની જરૂરિયાત હોય છે. ચોમાસાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. ચોમાસામાં વરસાદ પડતા રસ્તા, ખેતરોમાં અને નદીના નાળામા પાણી ભરાઈ જતા હોય જેથી ખેડૂતોને ખેતરમાં ખાતર લઈ જવું મુશ્કેલ બને છે. તે માટે ખેડૂતો ખાતર ખરીદીને ખેતરોમાં કૂવાની ઓરડીઓમાં સંગ્રહી રાખે છે. ખાતરની જરૂરિયાત હોવા છતાં ખેડૂતને ખાતર મળતું નથી. ખાનગી ખાતર ડેપો ઉપર ખાતરોની ગાડીઓ આવે છે. જેમાં એક આધારકાર્ડ દીઠ ૧૦ ગુણ યુરિયા ખાતર અપાય છે. યુરિયાની સાથે અન્ય જરૂરિયાત વગરની ખાતરની ગુણ પણ માથે મારી દેવાય છે. ૧૦ ગુણ ખાતરની ખરીદી માટે ખેડૂતો છેલ્લા બે-ત્રણ દિવસથી મળસ્કે ૪થી પ વાગ્યાથી ખાતર ડેપો પર લાઇનમાં ઊભા રહે છે. ખાતરની ગાડી આવે ત્યારે લગભગ ૧૫૦થી ૨૦૦ ખેડૂતો લાઇનમાં ઊભેલા હોય પરંતુ ૫૦થી ૧૦૦ ખેડૂતોને ખાતર મળે છે. ત્યારબાદ ખાતર ખતમ થઈ જાય છે. ખેડૂતોને ધરમ ધક્કા પડે છે. બીજે દિવસે પાછા ખાતરની ખરીદી માટે મહિલાઓ અને પુરુષો કતારમાં ઊભા રહે છે. જ્યારે ખાનગી ખાતર ડેપો ઉપર ખાતરની ગાડીઓ આવે છે. પરંતુ સહકારી સંઘમાં ખાતર આવતું નથી. આ બાબતે ખેડૂતોમાં ખાતર ખરીદવા માટે વલખાં મારે છે. જેને લઇને તાલુકાના ખેડૂતોમાં નારાજગી જોવા મળેલ છે.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









